“ખાસ કરીને સદકા (ઝકાત) ફકીરો (ગરીબો), મિસ્કીનો (મોહતાજો) અને તે લોકો માટે છે, જે ઝકાતના સંચાલન માટે નિયુક્ત છે. અને (તે પણ) જેમની દિલો (ઇસ્લામ તરફ) વળાવવા માટે, અને ગુલામોને મુક્ત કરવા માટે, અને કર્જદાર લોકોને (કરજ ચૂકવવા માટે), અને અલ્લાહના માર્ગમાં, અને મુસાફરો માટે (આપવી જોઈએ). આ અલ્લાહ તરફથી ફરજીયાત છે. અને અલ્લાહ બધું જાણવા વાળો અને હિકમત વાળો છે.” 📖 (સૂરાહ તૌબાહ 9:60)
આયતનું અર્થ અને તફસીર:
આ આયતમાં ઝકાત અને સદકા માટે આઠ હકદાર વર્ગો બતાવ્યા છે:
1. અતિ ગરીબ (ફકીર) – જે લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ પૂરતા સાધનો નથી. ઘર બાર નથી. રોઝી રોટી ના સ્ત્રોત નથી. વિકલાંગ, અસહાય, અતિ વૃદ્ધ વ્યક્તિઓ.
2. મોહતાજ (મિસ્કીન) – જે હલકી આવક ધરાવે પણ જરૂરિયાતો માટે પૂરતી નથી. તબીબી ખર્ચ, ભણતર, રોઝી રોટી કામકાજ માટે જરૂરી સાધનો નો ખર્ચ ન હોય.
3. ઝકાત સંચાલકો – જે લોકો ઝકાત એકઠી કરે અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડે.
4. ઈસ્લામ તરફ વળવા ઈચ્છતા લોકો – જે ઈસ્લામ તરફ ઝુકી રહ્યા છે અને તેમને આર્થિક સહાય ની જરૂર છે.
5. ગુલામ મુક્તિ માટે – કે જે ગુલામીને ખતમ કરવા માટે મદદરૂપ થાય.
6. કરજદાર (ગરીબ દેવાનો ભાર હોય) – જેને ન્યાયપૂર્ણ રીતે ચૂકવવા માટે મદદની જરૂર હોય.
7. અલ્લાહના માર્ગમાં (ફી સબીલિલ્લાહ) – દીનની સેવા, ધર્મપ્રસાર, ઈસ્લામિક શિક્ષણ, અને ન્યાયસંગત જદો જેહત કરવા વાળા માટે.
8. મુસાફર (ઇબ્નુસ સબીલ) – જે મુસાફરીમાં છે અને પાસે ખર્ચ માટે ન હોય.
આ આયત બતાવે છે કે ઝકાત અને સદકા (દરેક પ્રકારના) સીધાં જરૂરતમંદ લોકોને જ આપવી જોઈએ. પછી ગુલામી માં થી આઝાદ કરવા, કર્ઝ ની અદાયગી માં, અલ્લાહ ના માર્ગ માં અને મુસાફિર ની મદદ માં આપી શકાય છે.
ઇસ્લામિક શરિયત મુજબ ઝકાત, સદકાત, લિલ્લાહ અને ખૈરાત આપવાની શ્રેષ્ઠ રીત એ છે કે પહેલી પ્રાથમિકતા આપના નજીકના ગરીબ જાણીતા જરૂરતમંદ, આડોશ પડોશ ના મોહતાજ લોકો અને જ્યાં હકદાર હોય ત્યાં સીધું આપવી.
સીધું ગરીબોને આપવાના ફાયદા:
1. સાચા હકદાર સુધી પહોંચી શકાય: ગરીબ વ્યક્તિ પોતાની મુખ્ય જરૂરિયાત માટે પૈસા નો ઉપયોગ કરી શકે.
2. વધારે સવાબ અને સંતોષ: રિશ્તેદાર ઓળખીતા ને આપવા માં બે ગણું સવાબ છે. સીધું આપવાથી દિલને સંતોષ મળે અને અલ્લાહની રજા હાંસિલ થાય છે.
સંસ્થાઓ દ્વારા આપવાના ફાયદા:
1. વધારે લોકો સુધી પહોંચવાની તક: જો તમારા ઘ્યાન માં જરૂરતમંદ વ્યક્તિ ન હોય અથવા તો ઓછી સંખ્યા માં હોય, તો સંસ્થાઓ મોટી હદ સુધી ગરીબોની મદદ કરી શકે છે.
2. વ્યવસ્થિત મદદ: અનાજ રેશન, શિક્ષણ, આરોગ્ય, રોઝી રોટી માટે નાં સાધનો જેવી જરૂરિયાતમાં યોગ્ય રીતે વહેંચણી કરતી સંસ્થા માં આપવા જોઈએ. પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ નું અસલ મકસદ આ જ છે.
3. સલામતી અને ગોપનીયતા: ઘણીવાર ગરીબોને સીધું મદદ લેવી અપ્રિય લાગે છે અને એ લોકો પોતાની હાજત બતાવી પણ નથી શકતા, એવા પરિવારોને સંસ્થા દ્વારા મદદ મળી શકે છે.
સારાંશ: જો કોઈ જાણીતો હકદાર વ્યક્તિ હોય તો સીધું આપવું શ્રેષ્ઠ છે, પણ જો વધારે લોકોને અસરકારક રીતે મદદ કરવી હોય તો વિશ્વાસપાત્ર સંસ્થાઓ મારફત આપવું પણ સારું છે.
નોંધ: સંસ્થાઓ, મસ્જિદો માં તામિરી કામ માં, સંસ્થાઓ ના મેન્ટેનન્સ, જાહેરાતો, મોટા મોટા પ્રોગ્રામો, બીજા ફૂઝુલ ખર્ચ વિગેરે માં ઝકાત સદકાત ની રકમ ના આપી શકાય. રમઝાન માસમાં બહારગામ થી ઘણા બધાં અજાણ્યા નકલી લોકો ચંદા કરવા માટે નીકળી પડે છે એવા વ્યક્તિ અને સંસ્થા ની જાણકારી લીધા વગર એમને પણ ન આપી શકાય. રસ્તા ચાલતા ફકીરો કે જે માંગી માંગી ને ધંધો બનાવી લીધો છે એવા ફકીરો ને પણ મોટી મોટી રકમ ના આપવી જોઈએ.