સીરત (પયગંબર હઝરત મોહમ્મદ ﷺ ના જીવનચરિત્ર) ના વિદ્વાનોમાં મેરાજની ચોક્કસ તારીખ અને વર્ષ અંગે મતભેદ છે. વિવિધ મતો મુજબ, મેરાજ અંગે નીચેના અભિપ્રાયો છે:
1. ઇબ્ન ઇશહાક ના મત અનુસાર: અલ-ઇસ્રા અને મેરાજની ઘટના વહી શરૂ થયા પછી લગભગ દસ વર્ષ બાદ બની હતી.
2. અઝ-ઝુહરી અને ઉરુવાહ ના મત અનુસાર: તેમના મુજબ મેરાજની રાત પયગંબર હઝરત મોહમ્મદ ﷺ ના મક્કાથી મદીનાની હિજરતના એક વર્ષ પહેલા, રબીઉલ અવ્વલ મહિનામાં બની હતી.
3. ઇસ્માઈલ અસ-સદ્દીનો મત છે કે: તેમણે મેરાજની ઘટના પયગંબર હઝરત મોહમ્મદ ﷺ નાં હિજરતના 16 મહિના પહેલા, ઝિલહિજ્જ મહિના દરમિયાન બની હોવાનું કહ્યું છે.
4. અલ-હાફિઝ અબ્દુલ-ગની ઇબ્ન સુરુર અલ-મકદિસી નાં મત અનુસાર: તેમણે મેરાજના રાત રજબ મહિનાની 27 મી રાત ગણી હતી.
5. અન્ય વિદ્વાનોના મતો પ્રમાણે: કેટલાંક વિદ્વાનો માને છે કે મેરાજ રજબની પહેલી શુક્રવારની રાત્રે બની હતી.
સંદેહ અને વિવાદ:
સાતમી હિજરી સદીના વિદ્વાન અબુ અલ-ખત્તાબ ઉમર ઇબ્ન દહિયા પોતાના પુસ્તક “આદા’ મા વજબા” માં લખે છે કે “કેટલાંક લોકો માને છે કે મેરાજ રજબ મહિનામાં બન્યું હતું, પરંતુ આ ખોટું છે.”
આ મતને પ્રસિદ્ધ વિદ્વાન અલ-હાફિઝ ઇબ્ન હજર અસ્કલાનીએ પણ સમર્થન આપ્યું છે.
કોઈ સહીહ હદીસ કે સહાબીઓ માં થી કોઈ નો કોલ નથી કે મેરાજ રજબ 27 મી પર જ બની હતી. આ માન્યતા ફક્ત એક તારીખી અનુમાન છે, જે ઈમામ અન-નવવી જેવા વિદ્વાનોના નામ સાથે જોડાઈને પ્રસિદ્ધ થઈ ગયું છે.
અલ-ઇસ્રા વલ મેરાજ એક હકીકત છે જે કુરાન શરીફ થી અને હદીસ શરીફ થી સાબિત છે. એનું મકસદ, એનાં બયાન, મોઅજિઝાત, રસ્લુલ્લાહ હઝરત મોહમ્મદ ﷺ ની શાન વિગેરે બયાન કરવા જોઈએ. નફલી ઇબાદત કરવી, રોઝા રાખવાં માં કોઈ હરજ નથી. પરંતુ ફર્ઝ સમજી ને નકરવા જોઈએ.