શું ખરેખર શૈતાન ને રમઝાન માં કેદ કરી લેવા માં આવે છે ?
રમઝાનમાં શેતાનને કેદ કરી દેવામાં આવે છે—આ હદીસ ની વજાહત સમજીએ
નબી કરિમ ﷺ એ ફરમાવ્યું: “જ્યારે રમઝાન આવે છે, ત્યારે આસમાનોના દરવાજા ખોલી દેવામાં આવે છે, જહન્નમ નાં દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને શેતાનોને બાંધી દેવામાં આવે છે.” (બુખારી ૧૮૯૯ અને મુસ્લિમ ૧૦૭૯)
આ હદીસનો અર્થ અને સમજૂતી:
1. શું બધા શેતાનોને કેદ કરવામાં આવે છે?
કેટલાક ઉલમાઓ કહે છે કે મોટા અને સરકશ શેતાનો (મરદાતુશ શયાતીન) ને જ બાંધી દેવામાં આવે છે, જ્યારે નાના શેતાનો મુક્ત રહે છે.
અન્ય કેટલાક ઉલમાઓ માને છે કે આ મજાજી અર્થમાં છે, અર્થાત રમઝાનમાં તેમની પ્રભાવશક્તિ ઓછી કરી દેવામાં આવે છે. અલ્લાહ તેમની શક્તિઓને નિયંત્રિત કરે છે, જેથી તેઓ પહેલાં જેટલા અસરકારક નથી રહેતા એટલે રમઝાનમાં નેકી કરવી સરળ બની જાય છે.
શેતાની અસર ઓછી હોય છે, તેથી આપણે સારા કાર્યો કરવાની વધુ મનોદશા ધરાવવી જોઈએ અને નફ્સ તથા ખરાબ વાતાવરણથી બચવાની કોશિશ કરવી જોઈએ.
2. જો શૈતાન બંધ હોય તો રમઝાનમાં પણ પાપ કેમ થાય છે?
કારણ કે ઇન્સાનની પોતાની નફસાની ખ્વાહિશો (નફ્સે અમ્મારા) હજુ પણ હાજર હોય છે, જે તેને ખરાબી તરફ ધકેલે છે. ઘણા પાપ ઇન્સાનની આદતો અને આસપાસના વાતાવરણના કારણે પણ થાય છે, જે શેતાન વગર પણ ચાલુ રહી શકે.
રમઝાન સારા કામો માટે અનુકૂળ સમય છે, કારણ કે શેતાનનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
ઈબાદત અને તક્વા વધે છે, જેના કારણે શેતાનની સુઝાવટો કમજોર પડી જાય છે.
અલ્લાહની રહેમત અને માફી મેળવવા માટે આ મહિનો શ્રેષ્ઠ તક છે.
સબક: આ હદીસનું સાર છે કે રમઝાનમાં શેતાનનું પ્રભાવ ઘટી જાય છે, પરંતુ માણસ પોતે પાપ ન છોડે તો શેતાન વિના પણ પાપ થઈ શકે. એ કારણે માત્ર શેતાન પર દોષ મૂકવાને બદલે, આપણે પોતાને સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.