આજે જે રીતે લોકો રમઝાનની તૈયારી કરે છે, તેને જોતા એક નવું ટ્રેન્ડસ દેખાય છે. લોકો પહેલાથી જ વિચારે છે કે ઇફતારીમાં શું ખાસ બનાવવું, કેવા નવા ડીશ વાનગીઓ ટ્રાય કરવાના, અને ઈદ ની શોપિંગ પેહલે થી જ કરી લઇશું– આ બધાની જ યોજના બને છે. WhatsApp ગ્રૂપમાં અલગ-અલગ રેસિપીઓ શેર થતી હોય, સોશિયલ મીડિયા પર નવા નવા ફૂડ એક્સપરિમેન્ટના વીડિયો વાયરલ થતા હોય, અને માર્કેટમાં ખાસ રમઝાન ફૂડ આઇટમ્સ અને એક્સિબિશન માટે ભીડ ભરી હોય.
પરંતુ અસલ રમઝાનની તૈયારી આ બધાથી પરે છે. રમઝાન એ માત્ર ખાવા-પીવાના આનંદ માટેનો મહિનો નથી, પણ એક રૂહાની મહિનો છે. આ મહિનાનો અસલ ફોકસ ઇબાદત પર હોવો જોઈએ. જો રમઝાન માટે આપણે સાચી તૈયારી કરવી હોય, તો નીચેની બાબતો પર ધ્યાન આપવું જોઈએ:
રૂહાની તૈયારી (મન અને દિલની શુદ્ધતા)
રમઝાન એ એક ઇબાદત નો મહિનો છે. તેની સાચી તૈયારી એ છે કે આપણે હંમેશાની જેમ નહીં, પણ આપણા જીવનમાં એનું મહત્વ શામેલ કરીએ એ માટે:
👉દરરોજ કુરઆનની તિલાવત શરૂ કરીએ.
👉દિલને ગુનાહોથી દૂર રાખવાની કોશિશ કરીએ.
👉ફજરથી લઈ ઈશા સુધી પાંચો વખત નમાઝની પાબંદી કરવી જોઈએ.
👉તારાવીહ માં સામેલ થવું જોઈએ અને શક્ય તેટલી દુઆમાં વધુ સમય પસાર કરવો.
👉રમઝાનમાં સફળતા તો ત્યારે મળે છે, જ્યારે આપણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ.
👉ઝકાતની ગણતરી કરી, ગરીબો માં અલ્લાહ તઆલા એ આપેલા માલ માં થી એમનો હિસ્સો વહેંચવો જોઈએ.
👉સદકાહ (દાન) કરીને, ગરીબો ને ખુશી અને આરામ પહોંચાડવો જોઈએ.
👉ઘૃણા, ઈર્ષા અને વેરભાવને દુર કરી, માફી અને પ્રેમ સ્વીકારીએ.
👉રોઝો માત્ર ભૂખ-તરસ સહન કરવાનુ નથી, પણ આપણા સ્વભાવમાં સુધાર લાવવાનો એક માધ્યમ છે. આ મહિનો શીખવે છે કે, ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
👉દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું.
👉અલ્લાહનો શુક્રગુજાર બનવું.
👉ફૂઝુલ વાતો માં સમય પસાર કરવા કરતા ઝિકર થી જીભ ને તર રાખવી જોઈએ.
જો આપણે રમઝાનની સાચી તૈયારી ઇબાદત માટે કરીએ, તો આ મહિનો માત્ર એક તહેવાર નથી રહેતો, પણ દિલ અને રૂહ ની શુદ્ધિ માટેનો મહિનો બની જાય છે.
જ્યાં શાંતિ, સુખ અને અલ્લાહની નજીક રહેવાની એક ઉત્તમ તક બની જાય છે.
આ રમઝાનથી સંકલ્પ કરીએ કે તૈયારી ફક્ત ઇફતારી માટે નહીં, પણ ઇબાદત માટે હોવી જોઈએ!