શાબાનની 15 મી રાત્રિને “શબે બરાત” કહેવી યોગ્ય છે કે નહીં?
📌 ઈસ્લામમાં “શબે બરાત” શબ્દ હદીસોમાં ક્યાંય નથી 🔹 કોઈ એક પણ હદીસમાં આ રાત્રિને “શબે બરાત” કહેવાયું નથી. 🔹 “શબે બરાત” શબ્દ ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બંગ્લાદેશ જેવા દેશોમાં પ્રચલિત થયો છે. 🔹 અરબી ભાષામાં તેને માત્ર “લૈલતુન નિસ્ફિ મિન શાબાન” (શાબાનની મધ્યની રાત્રિ) કહેવામાં આવે છે. નિસ્ફુસશાબાન શબ્દ હદીસ માં આયો છે.
📌 “શબે બરાત” નું મતલબ શું? કેટલાંક લોકો શુભ રાત પણ કહે છે.
🔹ઉર્દૂ માં રાત્રિ ને શબ કેહવાય છે અને બરાત શબ્દ અસલ માં બરાઅત છે. અરબી શબ્દ બરાઅત એટલે નજાત, છુટકારો. કેટલીક રિવાયત પર થી આનું નામ “શબે બરાત” એટલા માટે પડ્યું છે. નજાત ની રાત. અને ઘણા લોકો જેમને દીને ઈસ્લામ નું જ્ઞાન નથી એમણે શુભ રાત નામ પાડી દીધું છે.
🔹૧૫ શાબાન – નિસ્ફૂશ શાબાન (શબે બરાત) વિષે હદીસો ની મૂળભૂત કિતાબો માં રિવાયત મળે છે પણ એમાં થી વધુ પડતી હદીસો જઈફૂલ અસ્નાદ (કમજોર સનદ વાળી) અને ઘણી ખરી મઉઝુ (બનાવટી) પણ છે.
🔹હઝરત આયશા (રજી.) કહે છે: “એક રાત્રે મેં જોયું કે રસૂલુલ્લાહ ﷺ બિસ્તર પર નથી, તો હું તેમને શોધવા નીકળી. ત્યારે મેં જોયું કે આપ જન્નતુલ બકી (કબરસ્તાન) માં છો અને દુઆ કરી રહ્યા છો. જ્યારે મેં તેની હકીકત પૂછી તો આપ ﷺ એ કહ્યું: ‘અલ્લાહ તઆલા શાબાનની ૧૫ મી રાત્રે પોતાની સૃષ્ટિ તરફ તવજ્જો આપે છે અને બધાને માફી આપે છે, સિવાય શિર્ક કરનાર અને દુશ્મની રાખનાર ને”
📌 હુકમ: સુનન ઇબ્ન માજાહ, મુસ્નદ અહમદ અને શુઅબુલ ઈમાન માં આ હદીસ જઈફ દરજ્જા ની છે.
🔹હઝરત અલી (રજી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ ﷺ એ કહ્યું : “જ્યારે શાબાનની ૧૫ મી રાત્રિ આવે, ત્યારે રાત્રે નમાઝ માટે ઉઠો અને દિવસમાં રોઝા રાખો. કારણ કે તે રાત્રે અલ્લાહ તઆલા સૂર્ય અસ્ત થવા સાથે જ દુનિયાનાં આસમાને ઉતરે છે (એની શાન ને લાયક) અને કહે છે: ‘કોણ છે જે મારી પાસે માફી માગે? હું તેને માફ કરી દઈશ. કોણ છે જે મારા પાસે થી રિઝ્ક માગે? હું તેને રિઝ્ક આપી દઈશ. કોણ છે જે દુઆ કરે? હું તેની દુઆ કબૂલ કરી દઈશ.’ આ તે વખત સુધી ચાલું જ રહે છે જ્યાં સુધી ફજર નો સમય નાં આવે.”
🔹મિશકત ૧૩૦૮ અને સુનન ઇબ્ન માજાહ અને બય્હકી એ પણ રિવાયત કરી છે જેના રાવી મોતબર નથી એટલે જઈફ હદીસ છે.
🔹સહી સનદ સાથે જે હદીસ છે એમાં આ ફઝિલત દરરોજ રાત ની છે.
🔹હઝરત અબૂ હુરૈરા (રજી.) રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ ﷺ એ કહ્યું: “દરેક રાત્રે જ્યારે છેલ્લો સમય (અંતિમ તૃતીયાંશ) બાકી રહે છે, ત્યારે અમારો રબ તબારક વ તઆલા દુનિયાના આસમાને (ખાસ રહમતો સાથે) ઉતરે છે અને પૂછે છે:
“કોણ છે જે મારી પાસે દુઆ કરે, જેથી હું તેની દુઆ કબૂલ કરી શકું?”
“કોણ છે જે મારી પાસે માંગે, જેથી હું તેને આપી શકું?”
“કોણ છે જે મારી પાસે માફી માગે, જેથી હું તેને માફ કરી શકું?”_
(બુખારી અને મુસ્લિમ – મૂત્તફક અલૈહ)
🔹 મુસ્લિમ ની રિવાયતમાં વધુ છે: “પછી અલ્લાહ પોતાના બંને હાથ ફેલાવીને કહે છે: “કોણ છે જે સખી અને ઇન્સાફ પસંદ અલ્લાહને કર્જ (નેકી) આપે?” (એટલે કે નેકી કરે) આ (પ્રક્રિયા) ચાલુ રહે છે જ્યાં સુધી ફજરના પહોર ના થઈ જાય.”
📌 હુકમ: મિશ્કાત, 1223 બુખારી અને મુસ્લિમ માં સહી સનદ સાથે ની આ હદીસ માં દરરોજ રાત આખરી સમય ની ફઝિલત છે.
🔹તકદીર (વર્ષ નાં એહવાલ લખવાની રાત) હઝરત આયશા (રજી.) રસૂલુલ્લાહ ﷺ થી રિવાયત કરે છે: “તમે જાણો છો કે શાબાનની ૧૫ મી રાત્રિ શું થાય છે?” તેમણે કહ્યું (પ્રશ્ન) કર્યું: “અલ્લાહના રસૂલ! એ રાત્રે શું થાય છે?”
તો પયગંબર ﷺ એ કહ્યું: “આ રાત્રે તે બધાનું નામ લખવામાં આવે છે, જે આ વર્ષે જન્મશે અને જે આ વર્ષે મૃત્યુ પામશે. આજ રાત્રે બધાં નાં અમલો અલ્લાહ તરફ ઉઠાવવામાં આવે છે, અને આજ રાત્રે લોકોના રિઝ્ક ઉતારી આપવામાં આવે છે.”
તેમણે પુછ્યું: “અલ્લાહના રસૂલ! શું કોઈ પણ વ્યક્તિ અલ્લાહની રહમત સિવાય જન્નતમાં જઈ શકે?” આપ ﷺ એ ત્રણ વાર કહ્યું: “અલ્લાહની રહમત સિવાય કોઈપણ વ્યક્તિ જન્નતમાં જઈ શકશે નહીં.” મેં પુછ્યું: “અલ્લાહના રસૂલ! શું તમે પણ નહીં?” આપ ﷺ એ પોતાના માથા પર હાથ રાખી કહ્યું: “હું પણ નહીં, જ્યાં સુધી અલ્લાહ મને પોતાની રહમતથી ઢાંકી ના લે.” મિશ્કાત, 1305
📌 હુકમ: ➡ ઇમામ તબરી, અલ્લામા રાઝી, ઈમામ કુર્તબી, અબ્દુર રજ્જાક, ઇબ્ને જઉઝી, અબુ મનસુર માતુરિદી જેવા મહાન આલીમો મોહદ્દીસો કહે છે કે આ હદીસની સનદ નબળી છે અને સહિહ હદીસોથી સાબિત નથી. ➡ કુરઆન (સુરહ કદર: 1-3) મુજબ તકદીર (કદર) ليلة القدر (શબે કદર) માં લખાય છે, શબે બરાતમાં નહીં. (તફસીર અત-તબરી: 25/87, મુસ્તદરક હાકિમ: 1161) ➡ કુરઆન (સુરા અદ-દુખાન: 3-4) મુજબ, તકદીર લૈલતુલ કદરમાં લખવામાં આવે છે, શબે બરાતમાં નહીં.
🔹હઝરત આયશા (રજી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ ﷺ એ કહ્યું: “શાબાનની ૧૫ મી રાત્રિએ અલ્લાહ તઆલા દુનિયાના આસમાને (ખાસ રહમતો સાથે) તજલ્લી ફરમાવે છે અને બની કલ્બ (કબીલાની બકરીઓ) ના વાળ જેટલા (બહુ મોટા સંખ્યામાં) લોકોને માફ કરી દે છે.”
સહિહ ઇબ્ન હિબ્બાન, મુસ્તદરક હાકિમ, બહકી, મિશ્કાત
🔹હઝરત મુઆઝ બિન જબલ (રજી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ ﷺ એ કહ્યું: “અલ્લાહ તઆલા શાબાનની ૧૫ મી રાત્રિએ પોતાની રહમતથી પોતાની મખલૂક પર ખાસ તવજ્જો આપે છે અને મુશરિક (શિર્ક કરનાર) અને કિનાખોર (દુશ્મની રાખનાર) સિવાય બધા લોકોની માફી આપી દે છે.”
સુનન ઇબ્ન માજાહ, મુસનદ અહમદ, તબરાની
📌 ૧૫ શાબાન નાં રોઝા વિષે (શાબાન માં રોઝા રાખવાની હદિસો શાબાન મહિના ની ફઝિલત વાળી પોસ્ટ માં આપેલી છે)
🔹સાબિતે મુતરીફ દ્વારા હઝરત ઇમરાન બિન હુસૈન (રજી.) પાસેથી રિવાયત કરી કે રસૂલુલ્લાહ ﷺ એ તેમને અથવા કોઈ બીજા વ્યક્તિને પુછ્યું: “શું તમે શાબાન ના મધ્ય (૧૫ મી તારીખ) ના રોઝા રાખ્યા છે?” તેણે જવાબ આપ્યો: “નહીં.” આપ ﷺ એ કહ્યું: “તમે જ્યારે (શાબાન ના, બીજી રિવાયત માં રમઝાન નાં) રોઝા પૂરા કરી લો, તો પછી બે દિવસના રોઝા રાખજો.” મુસ્લિમ, 2751
🔹 અય્યામે બીઝ દરેક મહિના નાં ૧૩-૧૪-૧૫ નાં રોઝા રાખવાની હદીસો માં ઉલ્લેખ છે.
🔹અબૂ ઓસ્માન નેહદી દ્વારા હઝરત અબૂ હુરૈરા (રજી.) ની હદીસ અમને સંભળાવવામાં આવી. તેમણે કહ્યું: “મારા પ્રિય દોસ્ત (ખલીલ) પયગંબર ﷺ એ મને ત્રણ વાતો ની તાકીદ કરી: 1️⃣ દરેક મહિને ત્રણ રોઝા રાખવા. 2️⃣ ચાશ્ત (સવારે) ની બે રકાત નમાઝ પઢવી. 3️⃣ સૂતા પહેલા વિત્ર નમાઝ પઢી લેવી.” મુસ્લિમ, 1672
🔹હઝરત ઇમરાન બિન હુસૈન (રજી.) રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ ﷺ એ તેમને અથવા કોઈ અન્ય વ્યક્તિને, જે સાંભળી રહ્યો હતો, પુછ્યું: “એ ફુલાં! શું તમે આ મહીનાના મધ્યમાં રોઝા રાખ્યા છે?” તેણે જવાબ આપ્યો: “નહીં.” આપ ﷺ એ કહ્યું: “તો જ્યારે (રમઝાન પૂરો કરી) રોઝા છોડો, ત્યારે દરેક મહિને બે રોઝા રાખતા રહો.” મુસ્લિમ, 2745
🔴 કેટલીક બનાવટી અને જઈફ હદીસો
“શબે બરાતે 100 રકાત નમાઝ (સલાતુલ ખૈર) ની ખાસ ફઝીલત”
🔴 હદીસ: “જોયું કે રસૂલુલ્લાહ ﷺ એ કહ્યું કે શાબાનની ૧૫ મી રાત્રે જે વ્યક્તિ 100 રકાત નમાઝ પઢશે, તેને 1000 રકાત નમાઝનો સવાબ મળશે.”
📌 હુકમ: ➡ ઇમામ ઇબ્ન જઉઝી અને ઇમામ ઝહબી (રહ.) કહે છે કે આ હદીસ મવઝુ (દઈફ અને બનાવટી) છે. ➡ ઇમામ નવવી (રહ.) જણાવે છે કે આ હદીસ નબળી છે અને પયગંબર ﷺ તરફ મનઘડત નામ આપી મૂકવામાં આવી છે. (ફૈઝુલ કદીર: 2/317, તારીખ ઈબ્ન જુઝઈ: 1/40, મીજાનુલ ઇતેદાલ: 3/302)
“શબે બરાતે કબરસ્તાન જવું સુન્નત છે”
🔴 હદીસ: “રસૂલુલ્લાહ ﷺ હમેશા શબે બરાતે જન્નતુલ બકી (કબરસ્તાન) જતા અને ત્યાં પોતાના ઉમતીઓ માટે દુઆ કરતા.”
📌 હુકમ: ➡ ઇમામ બૈહકી અને ઇબ્ન હિબ્બાન (રહ.) કહે છે કે આ હદીસની સનદ નબળી છે, કારણ કે ઘણા રાવીઓ મોતબર નથી. ➡ શેખ અલ્બાની (રહ.) આ હદીસને જઈફ ગણાવે છે. (સિલસિલતુલ અહાદીસ અદ્દઈફા: 2132, સુનન બૈહકી: 8184)
📌 હુકમ: ➡ ઇમામ સુયૂતી (રહ.) કહે છે કે આ હદીસ નબળી છે અને સુન્નત નથી. ➡ કોઈ પણ ખાસ નમાઝ માટે પયગંબર ﷺ તરફથી સહિહ હદીસ સાબિત નથી. (અલ-મૌઝૂઆત લિ ઈબ્ન અલ-જૌઝી: 2/127, ઇકામતુલ હુજ્જા: 1/124)
📌 અંતિમ નિષ્કર્ષ:
✔ શબે બરાત એક બરકત ભર્યો દિવસ છે, કારણ કે અમુક સહિહ અને હસન હદીસોમાં માફી અને દુઆ માટે ઉલ્લેખ છે.
✔ કબરસ્તાન જવું, માફી માટે તૌબા, નફલી નમાઝ, અને રોઝો રાખવો સારું કાર્ય છે, પણ કોઈ નક્કી ઈબાદત ફરજ, વાજીબ કે સુન્નત નથી.
✔ રાત્રે નમાઝ અને દુઆ કરવી જોઈએ, અને દિવસે (શાબાન 15) રોઝો રાખવો જોઈએ.
❌ ખાસ 100 રકાત, 14 રકાત, 6 રકાત મગરીબ ની અથવા કોઈ ખાસ નમાઝનો ઉલ્લેખ સહિહ હદીસોમાં નથી.
❌ કબરસ્તાન જવું ફર્ઝ સમજી ને અને ખાસ તકદીર લખાવાનો અખ્તિયાર એ રાત્રે થતો હોવાનો ઉલ્લેખ પણ સહિહ હદીસમાં નથી.
❌ શબે બરાત માટે કોઈ ખાસ નમાઝ અથવા ઈબાદત પયગંબર મુહંમદ ﷺ દ્વારા નિર્ધારિત નથી. સામાન્ય નફલ નમાઝ અને ઈબાદત કરી શકાય છે, પરંતુ કોઈ ખાસ નમાઝ ફરજ કે સુન્નત નથી.
❌ અબુ મુહમ્મદ મકદીસી એ બયાન કર્યું છે કે શબે બરાત માં નફિલ નમાઝો જમાત સાથે મસ્જિદો માં પઢાવવી આ નવું કાર્ય 5મી સદી માં બૈતુલ મકદીસ નાં ઇમામે શુરૂ કર્યું હતું.
❌ કેટલાક સ્થળોએ શબે બરાતે આગ લગાવવી અથવા ફટાકડા ફોડવાની પ્રથા છે, જે ઇસ્લામમાં સ્વીકાર્ય નથી.
❌ શબે બરાતે ખાસ પ્રકાર ની મીઠાઈઓ બનાવવી અને વિતરિત કરવાની પ્રથા કેટલાક લોકોમાં જોવા મળે છે, જેની શરિયતમાં કોઈ આધાર નથી.
❌ નૌજવાન નસ્લ આ રાત્રિ માં ઘણાં બધાં ગૈર શરઈ કર્યો કરે છે. આખી રાત ઇબાદત કરવાની જગ્યાએ હોટલો, કેટલીઓ અને રસ્તાઓ પર ફૂઝુલ વાતો માં બરબાદ કરે છે. મોબાઈલ ઉપર ગેમ રમે છે. રસ્તાઓ માં શોર બકોર કરે છે. લોકો ને તકલીફ થાય તેવા કામો કરે છે.
💫શબે બરાતની રાત્રિ માં ખાસ કરીને નફલ નમાઝ, કુરઆન તિલાવત, અને તૌબા-ઇસ્તિગફાર કરવું યોગ્ય છે. કોઈ પણ ખોટા રિવાજો અથવા માન્યતાઓથી દૂર રહેવું જોઈએ અને ઇસ્લામી શરિયત અનુસાર આ રાત્રિ પસાર કરવી જોઈએ.