શબ-એ-મેરાજનું વર્ણન કુરાન અને હદીસમાં સ્પષ્ટ રૂપે કરવામાં આવ્યું છે. શબ-એ-મેરાજ એ રાત છે જ્યારે નબી મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને અલ્લાહ તઆલાએ આકાશી સફર કરાવી અને અલ્લાહ તઆલાની કુદ્રતના અજાયબી મંજરો દેખાડ્યા. આ વૃતાંત કુરાનમાં સુરહ અલ-ઇસરા અને સુરહ અન-નજમ માં ઉલ્લેખિત છે.
ગુજરાતી તર્જમો: પવિત્ર છે તે અલ્લાહ જેણે રાતે પોતાના ખાસ બંદા (મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને મસ્જિદે હરામ (મક્કા) થી મસ્જિદે અકસા (યરૂશલેમ) સુધી લઈ ગયા, જેના આજુબાજુ અમે બરકત આપી છે, જેથી અમે તેમને અમારી નિશાનીઓ બતાવી શકીએ. ખરેખર તે સર્વસમી અને સર્વદ્રષ્ટા છે.
ગુજરાતી તર્જમો: અને ખરેખર (નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ તેમને (જિબ્રાઇલ અલૈહિસ્સલામ) બીજા વખત પણ જોયા, સિદરતુલ મુંતહા પાસે, જ્યાં જન્નતુલ માવા છે, જ્યારે સિદરતને તે વસ્તુ આચ્છાદિત કરી રહી હતી જે આવરી રહી હતી. નજર ન ભટકાઈ અને ન જરાય હદથી આગળ વધી. ખરેખર તેમણે પોતાના રબ્બની મહાન નિશાનીઓનો દર્શન કર્યા.
મેરાજની ઘટના ત્યારે ઘટી: આ અદ્ભુત ઘટના ત્યારે ઘટી જ્યારે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અત્યંત દુઃખ અને કઠણાઈઓનો સામનો કરી રહ્યા હતા. કુરૈશ કબીલાએ સતત અપમાન અને દુઃખ પહોંચાડ્યું હતું. વધુમાં, ‘આમ અલ-હુઝન’ (દુઃખનો વર્ષ) દરમ્યાન, નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની પ્રથમ પત્ની ખદીજા (રઝી.) અને સંરક્ષક કાકા અબુ તાલિબ અવસાન પામ્યા. તાઈફ શહેરની મુસાફરી દરમ્યાન પણ લોકોએ તેમને પથ્થર મારીને નકાર્યા.
અલ-ઇસ્રા: કાબા થી મસ્જિદ અલ-અક્સા સુધીનો સફર
મક્કામાં ઉંમ્મે હાની (રઝી.) ના ઘરમાં આરામ કરતી વખતે, નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) કહે છે: “મારા ઘરનું છત ખોલવામાં આવ્યું અને જીબ્રાઇલ (અલૈહિસ્સલામ) તશરીફ લાવ્યા” (બુખારી).
જીબ્રાઇલ (અલૈહિસ્સલામ) નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને કાબા નજીકના હિજર (અર્ધ ગોળ દિવાલ, હતિમ) પર લઈ ગયા. જ્યાં તેમના સીનાને ખુલીને ઝમઝમ પાણીથી ધોયા અને સુનહેરા થાળમાં હિકમત અને ઈમાન ભરીને તેમના હ્રદયમાં નાખી દીધા.
અલ-બુરાક: પછી એક સફેદ પ્રાણી ‘અલ-બુરાક’ લાવવામાં આવ્યું, જે ઘોડા કરતા નાનું અને ખચ્ચર કરતા મોટું હતું. બુરાકના પગલાં એટલા લાંબા હતા કે જ્યાં નજર જાય ત્યાં સુધી પહોંચે. (મુસ્લિમ)
મુસાફરીના સ્થળો:
મેરાજ દરમ્યાન જીબ્રાઇલ (અલૈહિસ્સલામ) એ ચાર સ્થળોએ રોકાવ્યું અને નમાઝ અદા કરવા કહ્યું:
1. મદીના: જ્યાં ભવિષ્યમાં હિજરત કરવાના હતા.
2. તૂર પર્વત: જ્યાં અલ્લાહે હઝરત મૂસા (અલૈહિસ્સલામ) થી કલામ કર્યું હતું.
3. બેતલેહમ: જ્યાં હઝરત ઈસા (અલૈહિસ્સલામ) નો જન્મ થયો.
4. હઝરત મૂસા (અલૈહિસ્સલામ) ની કબર: જે મસ્જિદ અલ-અક્સા થી નજીક છે.
મસ્જિદ અલ-અક્સા પર આગમન
જ્યારે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) યરુશલેમ પોહંચ્યા, ત્યારે જીબ્રાઇલ (અલૈહિસ્સલામ) એ બુરાકને એક પથ્થર સાથે બાંધી દીધા. મસ્જિદ અંદર 1,24,000 અંબિયા (અલૈહિસ્સલામ) હાજર હતા. નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ એમને નમાઝ પઢાવી.
વલ મેરાજ – આકાશી સફર
મસ્જિદ અલ-અક્સા પછી, નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને જીબ્રાઇલ (અલૈહિસ્સલામ) સાથે આકાશી સફર માટે લઈને જવામાં આવ્યા. આ યાત્રા દરમ્યાન તેમણે સાત આસમાનોની મુલાકાત લીધી અને અનેક અંબિયાઓને મળ્યા.
આ અલૌકિક સફર ઈમાનને મજબૂત કરનારી છે અને દર્શાવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અલ્લાહ રાહત અને શાંતિ આપે છે.